173 દરદ જે હોય દિલમાં એ આવી બહાર બોલે


દરદ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે,
રહે છે મૌન જો આંખો તો આંસુધાર બોલે છે.

ખફા થાશો નહીં આ તો તમારો પ્યાર બોલે છે,
નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે.

પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે ?
તમે મૌજુદ છો ઘરમાં દરો દીવાર બોલે છે.

તમારી યાદ આવે છે મનોમન વાત થાયે છે,
હું સાંભળતો રહું છું ને હ્ર્દય ધબકાર બોલે છે.

ફકીરી હાલ જોઈને પરખ કરજો નહીં’નાઝિર!’
જે સારા હોય છે એના તો સૌ સંસ્કાર બોલે છે.


Leave a Reply

Your email address will not be published.