પડવે પ્રીત કરું છું પેલી,
વાલે મારે અઘોર વનમાં મેલી,
દિવસ ઘણાં થયા રે…
બીજે બીજું કાંઈ નવ જાણું,
જોબન ભમરો થઈ ઊડાડું,
દિવસ ઘણાં થયા રે…
ત્રીજે તન તપે અમારા,
જોબન વહ્યા જાસે અમારા,
દિવસ ઘણાં થયા રે…
ચોથે ચતુર મળી નરનારી,
મનડાં રાખો વારી વારી,
દિવસ ઘણાં થયા રે…
પાંચમે પરમેશ્વરની પ્રીત,
વ્હાલે મારે રાખી છે રૂડી રીત,
દિવસ ઘણાં થયા રે…
છટ્ટે લખ્યા છઠ્ઠીના લેખ,
વિધાતાએ અવળા લખીયા લેખ,
દિવસ ઘણાં થયા રે…
સાતમે સૈયર બંધુનો સાથ,
આઠમેં અવતરીયા ભગવાન,
દિવસ ઘણાં થયા રે…
નવમેં નમણા છે નરનાર,
દસમેં તલશું દિવસ ને રાત,
દિવસ ઘણાં થયા રે…
અગીયારસે એકાદશીના વ્રત,
વ્હાલે મારે બહું કીધા છે પુન,
દિવસ ઘણાં થયા રે…
બારસે બત્રીસ જાતના ભોજન,
તેરસે તેડા મોકલું તેર,
દિવસ ઘણાં થયા રે…
ચૌદસે ચૌદ ભૂવનનો નાથ,
વેગે આવોને મોરાર,
દિવસ ઘણાં થયા રે…
પૂનમે પૂર્ણ ઉગ્યો ચંદ,
નવખંડ ધરતીમાં અંજવાસ,
દિવસ ઘણાં થયા રે…