હાંરે દાણ માગે, કાનો દાણ માગે,
તારી મીઠી બોલીના બાણ વાગે
કાનો દાણ માગે
હાંરે કાન કીયા મુલકનો સુબો,
હાંરે મારા મારગ વચ્ચે આવી ઉભો
કાનો દાણ માગે
કાન કીયા મુલકનો રસીયો,
મારા મારગ વચ્ચે આવી વસીયો
કાનો દાણ માગે
હાંરે કાન કીયા મુલકનો દાણી,
હાંરે મારી નવરંગ ચુંદડી તાણી
કાનો દાણ માગે
હાંરે કાન કીયા મુલકનો મહેતો,
હાંરે મારા મારગ વચ્ચે આવી રહેતો
કાનો દાણ માગે
હાંરે કાન જળ જમનાજીના આરે,
હાંરે એમાં કોણ જીતે ને કોણ હારે
કાનો દાણ માગે
હાંરે કાન નથી સાકર નથી મેવા,
હાંરે ખાટી છાશમાં શું આવ્યો લેવા
કાનો દાણ માગે
હાંરે દાસ ‘માધવદાસ’ના સ્વામી,
હાંરે હું તો તમ પર જાઉં વારી
કાનો દાણ માગે