એક મહીયારી મહીડા વેચતીતી,
એની મટુકીમાં મોહન સંતાય નંદલાલ
ગામ ગોકુલની ગલીઓમાં સાદ પાડે,
કોઈ લ્યો લ્યો રે માધવરાય નંદલાલ
શીર સાટે શામળીયો હું વેચું,
ગોપી ટોળે મળી જોવા જાય નંદલાલ
લોકો કૌતુકથી પૂછે વાતલડી,
કાન મટુકીમાં કેમ કરી માંય નંદલાલ
વ્હાલે મસ્તક સ્હેજ ઉંચુ કીધું,
મોરપીંછ મુગટના દેખાય નંદલાલ
ઉભી વાટે મહીયારણ ચાલી જતી,
વ્હાલો મટુકીમાં મોરલી વાય નંદલાલ
સામા મારગે મળ્યા નંદરાણી,
ગોપી સાદ કરે તે સંભળાય નંદલાલ
મોરપીછાં દેખીને ગોપી ઉભી રાખી,
માડી જાણીને ગોવિંદ ગભરાય નંદલાલ
કેમ પુર્યો તેં શ્યામ મારો મટુકીમાં,
આજ જોવા જેવી અહીં થાય નંદલાલ
હેઠી ઉતાર મટુકડી તારી,
માંહે જોયું તો મુગટ જણાય નંદલાલ
દાસ ‘ગોવિંદ’નો નાથ છટકીને ભાગ્યો,
ઘેર માખણ મિસરી ખાય નંદલાલ