ભક્તિ રે કરવી તેને રાંક થઇને રહેવું,
મેલવું અંતરનું અભિમાન,
સદગુરૂ ચરણે શીશ રે નમાવીને,
કર જોડીને લાગવું પાય
ભક્તિ રે કરવી
જાતિપણું છોડીને અજાતિ થાવુંને,
કાઢવો વરણનો વિકાર
જાતિને ભાતિ નહી હરીના દેશમાં ને,
એવી રીતે રહેવું નિર્વાણ
ભક્તિ રે કરવી
પારકાના અવગુણ કોઇના જુવે નહી રે,
એને કહિએ હરીના દાસ રે
આશાને તૃષ્ણા એને એકે નહી ઉરમાં,
એવો દ્રઢ હોય વિશ્વાસ
ભક્તિ રે કરવી
ભગતી કરો તો તમે એવી રીતે કરજો ને,
રાખજો વચનમાં વિશ્વાસ
ગંગાસતી એમ કરી બોલ્યા રે પાનબાઇ,
એને કહીએ હરીના દાસ
ભક્તિ રે કરવી