અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા.
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા,
તું હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે.
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી ધરું.