દેહીનો દેવળ ચણાયો મેરે દાતા,
દેહીનો દેવળ ચણાયો રે જી
પાંચ ઇંટનો દેવળ બનાવ્યો,
માંહી પચ્ચીસ મજૂર લગાયો રે જી,
ચેતન પુરૂષે ચિત્તલગાયો,
બારિક કામ બનાયો
મેરે દાતા દેહીનો
રજવિરજની બની ડાબડી,
પ્રેમનો પાયો ખોદાયો રે જી,
અમર નગરથી આયો કારીગર,
હાડે હાડ મિલાયો
મેરે દાતા દેહીનો
દસ દ્વારને ગગન ગોખ,
માંહી પવન સ્થંભ ઠેરોયો રે જી,
આતમ રામ વસ્યો અવિગત સે,
આદમ રમવા આવ્યો
મેરે દાતા દેહીનો
ક્ષમાની ખડકી,કમાડ કરણીના,
માંહી ભ્રમનો તાળો લગાયો રે જી,
ગુરુ ગમ કુંચી લઇ દેખ ગગનમાં,
સુક્ષમણાયે દ્વાર ખોલાયો
મેરે દાતા દેહીનો
નૈન નાસિકા કાન જાળિયા,
મુખ દરવાજો મેલાયો રે જી,
લાલ કાળોને ગોરો રંગ લગાયો,
ઉપર રોમ છાજ લઇ છાયો
મેરે દાતા દેહીનો
આ દેવળમાં અમર પુરૂષ હે,
નહી ઉપન્યો નહી જાયો રે જી,
દાસ સવો કહે ફુલગર ચરણે,
ઉલ્ટો કાળને ખાયો
મેરે દાતા દેહીનો