કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે
કળજુગમાં જતિ સતી…
ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે
કળજુગમાં જતિ સતી…
ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને
જ્ઞાન કે ગમ નહીં લેશ રે
કળજુગમાં જતિ સતી…
ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે
કળજુગમાં જતિ સતી…
ધનને હરવા છળ કરશે ને
નિતનવા ગોતશે લાગ રે,
આસન ઉથાપી કરશે ઉતારા ને
વિષયમાં એને અનુરાગ રે
કળજુગમાં જતિ સતી…
વાદવિવાદ ને ધરમકરમમાં
ચૂકશે નહીં કરતા એ હાણ રે,
ગંગાસતી કહે એવાથી ચેતજો
કલજુગના જાણી પરમાણ રે
કળજુગમાં જતિ સતી…