12 ભુતળ ભક્તિ પદારથ મોટુ


ભુતળ ભક્તિ પદારથ મોટુ
હે બ્રહ્મ લોકમા નાહી રે
ભુતળ ભક્તિ પદારથ મોટુ
પુણ્ય કરી અમરાપુરી પામ્યા
હે અંતે ચોરાશી માહી રે
ભુતળ ભક્તિ પદારથ મોટું…

હરિના જન તો મુક્તિ નો માંગે
માંગે જનમ જનમ અવતાર રે
નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ
નીરખવા નંદ કુવર રે
ભુતળ ભક્તિ પદારથ મોટુ…

ભરત ખંડે ભુતળમાં જનમી
જેણે ગોવિંદના ગુણ ગાયા રે
ધન્ય ધન્ય તેના માત પિતાને
સફળ કરી એણે કાયા રે
ભુતળ ભક્તિ પદારથ મોટુ…

ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા જી
ધન્ય એ વ્રજના વાસી રે
અષ્ઠ મહાસિદ્ધિ આંગણિયે ઉભી
મુક્તિ છે એમની દાસી રે
ભુતળ ભક્તિ પદારથ મોટુ…

ઇ રસ નો સ્વાદ શકંર જાણે જી
અને જાણે શુક દેવ જોગી રે
કઈક જાણે વ્રજની ગોપી
ભણે નરસૈંયો ભોગી રે
ભુતળ ભક્તિ પદારથ મોટુ…


Leave a Reply

Your email address will not be published.