10 મે કાનુડા તોરી રે ગોવાલણ


મે કાનુડા તોરી રે ગોવાલણ‚
મોરલીએ લલચાણી રે‚
મે કાનુડા તોરી ગોવાલણ…

હરખેં મેં તો ઈંઢોણી લીધી‚
ભરવા હાલી હું તો પાણી રે;
ગાગર ભરોંસે ગોળી લીધી‚
આરાની હું અજાણી રે…
મે કાનુડા તોરી ગોવાલણ…

ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚
દોહ્યાંની હું અજાણી રે;
વાછરું ભરોંસે છોકરાંને બાંધ્યા‚
બાંધ્યા છે બહુ તાણી રે…
મે કાનુડા તોરી ગોવાલણ…

રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚
વલોવ્યાની હું અજાણી રે
નેતરાં ભરોંસે સાડી લીધી‚
દૂધમાં રેડયાં પાણી રે…
મે કાનુડા તોરી ગોવાલણ…

ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚
ઘેલી હું રંગમાં રે’લી રે;
ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી‚
પૂરણ પ્રીત હું પામી રે
મે કાનુડા તોરી ગોવાલણ….


Leave a Reply

Your email address will not be published.