વૈષ્ણવ જન તો તેને કહિયે,
જે પીડ પરાયી જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તો યે,
મન અભિમાન ન આણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે….
સકલ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચળ રાખે,
ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જન તો તેને કહિયે…
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે,
પરધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન તો તેને કહિયે…
મોહ માયા વ્યાપે નહિ જેને,
દૃઢ઼ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામ શું તાલી રે લાગી,
સકલ તીરથ તેના તનમાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે..
વણલોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈય તેનું દરસન કરતાં,
કુલ એકોતેર તાર્યા રે
વૈષ્ણવ જન તો તેને કહિયે…
વૈષ્ણવ જન તો તેને કહિયે,
જે પીડ પરાયી જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તો યે,
મન અભિમાન ન આણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે…