44 શૂરવીરને તું જોઈને પ્રાણી


શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં….શુરવીર

સીધે મારગડે જો કોઈ ચાલે
એને મારગ અવળો બતાવીશમાં
પરાયાનું સારૂં જોઈને
દિલડું તારું દુભાવીશમાં….શુરવીર

સુગંધની તને ખબર ન હોય તો
ફૂલડાને તું તોડીશમાં
પાણી ન પાતો ચાલશે,
પણ, ઊગતા છોડ ઉખેડીશમાં….શુરવીર

દાન ન દેતો, દયા રાખજે
બોલીને કોઈનું બગાડીશમાં
સમજ્યા વિનાની વાતો કરીને
મૂરખમાં નામ નોંધાવીશમાં….શુરવીર

હરિના ભજનમાં જઈને પ્રાણી
ઘરની વાતો ઉખેડીશમાં
શબ્દ સમજ્યા વિન તાલને ટેકે
માથું તારું ધુણાવીશમાં….શુરવીર

પ્રભુની કૃપાથી નાવ મળ્યું એને
ઊંઘમાં ઊંધું વાળીશમાં
કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં….શુરવીર


Leave a Reply

Your email address will not be published.