06 સાગ સીસમનો ઢોલિયો


સાગ સીસમનો ઢોલિયો રે વાલમા
અમરા ડમરાનાં વાણ મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા…

તિયાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમા
રુકમણી ઢોળે છે વાય મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા…

વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમા
સ્વામી અમને ચૂંદડિયુંની હોંશ મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા…

કેવાં તે રંગમાં રંગાવું મારા વાલમા
કેવી કેવી પડાવશું ભાત મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા…

કસુંબલ રંગમાં રંગાવો મારા વાલમા
ઝીણી ઝીણી ચોખલિયાળી ભાત મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા…

ઓઢી પહેરીને પાણી સંચર્યાં રે વાલમા
જોઈ રિયા નગરીના લોક મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા…

કેવા તે કુળના છોરું મારા વાલમા
કેવા તે કુળના વહુઆરું મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા…

માધવકુળના છોરું મારા વાલમા
જાદવકુળના વહુઆરું મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા…


Leave a Reply

Your email address will not be published.