યમુના જળમાં કેસર ઘોળી,
સ્નાન કરવું શ્યામળા
હળવે હાથે અંગો શોળી,
લાડ લડાવું શામળા
યમુના જળમાં…
અંગો લૂછી આપું વસ્ત્રો,
પીળું પીતાંબર પ્યારમા
તેલ સુગંધી નાખી આપું,
વાંકડિયા તુજ વાળમાં
યમુના જળમાં…
કુમ કુમ કેરું તીલક સજાવું,
પ્રીતમ તારા ભાલમાં
અલબેલી આંખોમાં આજુ,
અંજન મારા વાલમાં
યમુના જળમાં…
હસતી જાવુ વાટે ઘાટે,
નાચી ઉઠું તાનમાં
નજરના લાગે શ્યામ સુંદરને,
ટપકા કરી દવું ગાલમાં.
યમુના જળમાં…
પગમાં ઝાંઝર રુમઝુમ વાગે,
કાંડમાં કંકણ વાલમાં
કંઠે માળા કાને કુંડળ,
ચોરે ચિતડું ચાલમાં
યમુના જળમાં…
મોર મુગટ માથે પહેરાવું,
મુરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા,
વારી જાવુ તારા વાલમાં
યમુના જળમાં…