57 ગુરુ તારો પાર ન પાયો


ગુરુ તારો પાર ન પાયો
ધણી તારો પાર ન પાયો
પૃથવીના માલિક તારો જી હો જી.

હાં રે હાં ગવરીનો નંદ ગણેશ
સમરીએ જી હો જી.
એ જી સમરું શારદા માતા
એ વારી વારી વારી અખંડ
ગુરુજીને ઓળખો જી હો જી.

હાં રે હાં જમીં આસમાન બાવે
મૂળ વિના માંડયાં જી હો જી.
એ જી‚ થંભ વિણ આભ ઠેરાયો
એ વારી વારી વારી અખંડ
ગુરુજીને ઓળખો જી હો જી.

હાં રે હાં ગગન-મંડળમાં
ગૌધેન વ્યાણી જી હો જી.
એ જી માખણ વિરલે પાયો
એ વારી વારી વારી અખંડ
ગુરુજીને ઓળખો જી હો જી.

હાં રે હાં સુન રે શિખર પર
અલખ અખેડા જી હો જી.
એ જી વરસે નૂર સવાયો
એ વારી વારી વારી અખંડ
ગુરુજીને ઓળખો જી હો જી.

ગગન મંડળમાં
બે બાળક ખેલે જી હો જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી વારી વારી અખંડ
ગુરુજીને ઓળખો જી હો જી.

શંભુજીનો ચેલો પંડિત દેવાયત
બોલિયા જી હો જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી વારી વારી અખંડ
ગુરુજીને ઓળખો જી હો જી.


Leave a Reply

Your email address will not be published.