રામ મઢીરે મારી રામ મઢી
ગામના છેડે મારી રામ મઢી
ભગતો આવો વાલા ભેળા રે મળી …
ગામના છેડે મારી રામ મઢી…
કુટુંબ કબીલો મેં છોડી રે દીધો
ભગવો ભેખ મે તો પેરી રે લીધો (૨)
હરી ના ભજન ની હેલી ચડી…
ગામના છેડે મારી રામ મઢી…
આઠે પહોર હું તો અલખ આરાધુ
મારી મઢુલી યે આવે સંત ને સાધુ (૨)
સત્સંગ રસની પ્યાલી ભરી…
ગામના છેડે મારી રામ મઢી…
બાજરા ના રોટલાને શાક હું બનાવુ
સંતો ભગતોને હું તો ભાવથી જમાડુ (૨)
એ ભાવે જમાળું હું તો ખીચડીને કઢી…
ગામના છેડે મારી રામ મઢી…
નાની એવી મઢુલી ને મન મારું મોટું
બેસી રેવું છે હવે દેવી નથી દોટુ (૨)
રામ રટવાની મને ટેવ પડી…
ગામના છેડે મારી રામ મઢી…
રામ ના ભરોસે ભાઈ હાલે છે ગાડી
મઢુલીની ચારે કોર બનાવી છે વાડી (૨)
ફળ ફૂલની જુઓ ટોપલિયું ભરી…
ગામના છેડે મારી રામ મઢી…
સવાર-સાંજ ભાઇ ઉતરે છે આરતી
ઝળહળતી જ્યોતું ને દુઃખ સુગંધ આવતી(૨)
નોબત નગારા ને વાગે ઝાલરી….
ગામના છેડે મારી રામ મઢી…
ગોવિંદ મેર કે આનંદ આઠે પોર છે
નંદનો રે કિશોર મારા ચિતડાનો ચોર છે (૨)
એના રે ભજનની મને ખુમારી ચડી….
ગામના છેડે મારી રામ મઢી…