ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે
ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે,
અહીંયા રહ્યા એતો સુના શ્રીર…
ગોપીજનના
કર્મે અમારે અક્રુર ક્યાંથી આવ્યા, જી
જક કરી લઈ ગયા બલ ભદ્રવીર
ગોપીજનના
રથ રે રોકીને જ્યારે રહ્યા રાધાજી, જી
કેટલીક દીઘી તી અમને ધારણ ધીર
ગોપીજનના
આવ્યાની આશે અમે રહ્યા વિશ્વાસે,
આવડાં મેં નહોતા જાણ્યા હૈયાના કૂડ
ગોપીજનના
શ્યામ સ્વરૂપ વિના શા કરીયે સાધન,
અંબ મુકીને કોણ સેવે કથીર
ગોપીજનના
ખારા તે જળમાં પંખી ચાંચ ન બોળે,
ચઢઢ્યા ના ઉતરે એવા સતીના શણગાર
ગોપીજનના
જળ વિના જીવે એ તો હોય દાદૂરડા,
મીન મરે જ્યારે ના હોય નીર
ગોપીજનના
કેશરી ભુખ્યો કદી ઘાસ ન ખાયે,
કેળ ના ફળે એતો બીજી રે વાર
ગોપીજનના
પ્રેમની વાતો એ તો પ્રેમીજન જાણે,
વંધ્યા શું જાણે પહેલા પ્રસવની પીડ
ગોપીજનના
વચન તમારા ઉદ્ધવ હૃદયમાં સાલે,
તાકીને માર્યા જાણે તનડામાં તીર
ગોપીજનના
એક પલક ઘડી કેમ ચાલે,
નયણાંમાં રમી રહ્યા નંદિકશોર
ગોપીજનના
ગિરિધરલાલ વિના ઘડીયે ના ગોઠે,
‘પ્રીતમ’ના સ્વામી મારા પ્રાણ આધાર
ગોપીજનના