જય સદગુરુ સ્વામી,
પ્રભુ જય સદગુરુ સ્વામી;
સહજાનંદ દયાળુ (૨),
બળવંત બહુનામી, પ્રભુ જય..
ચરણ સરોજ તમારાં,
વંદુ કર જોડી;
ચરણે શીશ ધર્યાથી (૨),
દુઃખ નાખ્યાં તોડી. જય…
નારાયણ નર ભાતા
દ્વિજકુળ તનુધારી;
પામર પતિત ઊધાર્યા (૨),
અગણિત નરનારી, જય…
નિત્ય નિત્ય નૌતમ લીલા,
કરતા અવિનાશી;
અડસઠ તીરથ ચરણે (૨),
કોટી ગયા કાશી. જય…
પુરુષોત્તમ પ્રગટનું,
જે દર્શન કરશે;
કાળ કરમથી છુટી (૨),
કુટુંબ સહિત તરશે. જય૦ ૫
આ અવસર કરુણાનિધિ,
કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ (૨),
સુગમ કરી સિધી, જય…