20 દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું


દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
ને એવું કરવું નહિ કામ રે,
આપણી વસ્તુ ન જાય અવસ્થા
ને એ જવાનું લેવું નહિ નામ રે
દળી દળીને ઢાંકણીમાં

સેવા કરવી છેલ્લા જનમવાળાની
ને ભજનમાં જોવા સંસ્કાર રે,
જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનું
ને તો મેળવવો વાતનો એકતાર રે
દળી દળીને ઢાંકણીમાં

વિષયવાળાને આ વાત ન કહેવી,
ને એથી રાખવું અલોપ રે,
દેખાદેખી એ મરને કંઠી બંધાવે,
ને શુદ્ધ રંગનો ચડે ના ઓપ રે
દળી દળીને ઢાંકણીમાં

ઉત્તમ જો કર્મ કરે ફળની આશાએ
ને એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે
દળી દળીને ઢાંકણીમાં


Leave a Reply

Your email address will not be published.