ધ્યાન ધારણા કાયમ રાખવી,
ને કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તરપત ન થાવું,
વિશેષ રાખવો ઉલ્લાસ રે
ધ્યાન ધારણા કાયમ
ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;
ને કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સુઈ ન રહેવું,
ને ભલે કબજે કર્યું પોતાનું મન રે
ધ્યાન ધારણા કાયમ
આઠે પહોર રે’વું આનંદમાં,
જેથી વધુ વધુ જાગે પ્રેમ રે;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ,
ને છોડી દેવું નહિ નીમ રે
ધ્યાન ધારણા કાયમ
નિત્ય પવન ઊલટાવવો,
ને રમવું સદા હરિની સંગ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
પછી ચડે નહિ દુજો રંગ રે
ધ્યાન ધારણા કાયમ