માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે’વું હતું તે કહી દીધું પાનબાઈ!
હવે રે’ણી પાળવા હેતથી હાલો
માણવો હોય તો રસ
રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!
રે’ણી થકી રોમરોમ ભીંજાય,
રે’ણી થકી રસ શરીરમાં પરવરે,
રે’ણી થકી ઉગાવો જોને થાય
માણવો હોય તો રસ
રે’ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે’ણી થકી અમર જોને થવાય,
રે’ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!
રે’ણી થકી પાર પોગી જોને જવાય
માણવો હોય તો રસ
રે’ણી તે સરવથી મોટી પાનબાઈ!
રે’ણીથી મરજીવા બની જોને જાય;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે’ણી પાળ્યેથી આનંદ વરતાય
માણવો હોય તો રસ