44 હેઠા ઊતરીને પાય લાગ્યા


હેઠા ઊતરીને પાય લાગ્યા
ને ઘણો છે એનો ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,
ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે
હેઠા ઊતરીને

અખંડ અમર અવિનાશી ભાળ્યા,
ને વસ્તુ છે અગમ અપાર રે,
દયા કરીને મુજને દરસાવ્યા
ને અનામ એક નિરધાર રે
હેઠા ઊતરીને

સમજીને વાસના સમાઈ ગઈ,
ને અનુપમ છે એક રૂપ રે,
આતમને ભિન્ન નવ જાણો,
ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ રે
હેઠા ઊતરીને

સરવેની સાથે મિત્રતા રાખજો,
ને નહિ પ્રીત નહિ વેર રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે,
એવું સમજીને કરવી લે’ર રે
હેઠા ઊતરીને


Leave a Reply

Your email address will not be published.