આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે,
ત્યારે લાગ્યાં સતીને પાય
આજ મને તમે પાવન કીધી ને,
અંગમાં આનંદ ન માય રે
આ ઇતિહાસ જ્યારે…
ભાઈ રે ! મોહરૂપી પડળ ઊઘડી ગયાં રે,
હવે બીજું ગોઠે નહિ કાંઈ રે;
જગત સરવે મને જૂઠું જણાયું ને,
જાગ્યો પ્રેમ ઉરમાંય રે
આ ઇતિહાસ જ્યારે…
ભાઈ રે હવે મને આપ અભ્યાસ કરાવો રે,
ઈ રે માગું વરદાન રે;
ભલે રે તમે મારો મોહ ટાળ્યો ને,
પવિત્ર તમારાં દર્શન રે…
આ ઇતિહાસ જ્યારે…
ભાઈ રે જેથી આવાગમન નડે નહિ ને,
જીવદશા મટી જાય રે;
એવો ઉપદેશ આપો મને રે,
જેથી જીવન્મુક્ત દરશાય રે
આ ઇતિહાસ જ્યારે…
સરલવાણી ગંગાસતીની સાંભળી ને,
પૂરણ પ્રગટયો અધિકાર રે;
ગંગાસતી એમ બોલિયાં રે,
હવે લાગ્યો વચનમાં એકતાર રે
આ ઇતિહાસ જ્યારે…