103 ધણી મેં તો ધાર્યા રે નકલંકી નાથ


ધણી મેં તો ધાર્યા રે નકલંકી નાથને રે જી
અવર કોઈનો આવે નહી ઈતબાર રે હાં

દિલની દરશાવું રે સુણી લેજો શામળા રે જી
રુદીયામાં રોવું દિન ને રાત રે હાં
ધણી મેં તો ધાર્યા…

આદીનો નાતો રે નવો નથી નાથજી રે જી
ખૂટલ અમારો ખોટો કરે છે ખેદ રે હાં
ધણી મેં તો ધાર્યા…

મળી છે નિશાની રે રામા તારા નામની રે જી
લાગી એમાં સુરત અખંડ એકતાર રે હાં
ધણી મેં તો ધાર્યા…

શબ્દ સ્વરુપે રે સંદેશો અમે ઝીલતા રે જી
હવે જોયું નજરે પ્રત્યક્ષ પ્રમાણ રે હાં
ધણી મેં તો ધાર્યા…

અલખના અજવાળે રે આનંદ ઘણો અંગમાં રે
વારે વારે શું કરુ વાલમ વાત રે હા
ધણી મેં તો ધાર્યા…

દાસ “બળદેવ” કહે છે રે દીલડું નથી ડોલતું રે
ધણી તમારુ નિશ્ચે થયું છે નામ રે હાં
ધણી મેં તો ધાર્યા…


Leave a Reply

Your email address will not be published.