એજી એતો જીવણની,
નજરમાં આવ્યો રે,
મોરલો ગગનમંડળ ઘર આવ્યો જી.
ઊંચો જોયો આસમાનથી,
ચૌડો જોયો સવાયો,
માપ કરું તોયે માપ્યા નાવે,
નેનકમલ સમાયો.
મોરલો..
કાયા રે નગરમાં ડોલતો ને,
વિના પાવ ચલાયો,
જ્ઞાન કરીને ગોત્યો ત્યારે,
આપમે આપ દરસાવ્યો.
મોરલો.
સુખમના ઘર ચારો ચૂગયોને,
ત્રિવેણી જળ પાયો,
ઓહ સોહ માં ઉઠત બેઠત,
વિના મુખે બોલાયો.
મોરલો..
મેર ભઈ જબ મારાજની રે,
ઓઘટ પ્યાલો મુને પાયો,
દાસી જીવણ સત ભીમ ચરણે,
અરસ પરસ દર્શાવ્યો.
મોરલો