આંબો અમર છે રે સંતો,
કોક ભોમને ભાવે રે.
ધરતી તપાસી ધરા ખેડાવો,
કામના ના કૂંડા કઢાવો,
નિજનામનાં બીજ મંગાવી,
વિગતેથી વવરાવો.
અકળ ધરાથી ઘડો મંગાવી,
હેતની હેલ્ય ભરાવો,
નૂરત સુરત દોનુ પનીહારી,
પ્રેમ કરીને પીવરાવો.
કાચા મોર તો ખરી જાશે,
ફૂલ ફળ પછી આવે,
હુકમદાર બંદા ઝાલે હજૂરમાં,
ખરી નિત સે ખાવે.
કાચા ભડદા કામ નહીં આવે,
જીરવ્યા કેમ જીરવાશે
ત્રણ ગુણનો ટોયો રખાવી,
જાળવો તો જળવાશે.
ભાણસાહેબે ધરા તપાસી,
રવિસાહેબ તિયાં ભેળા
દાસ મોરાર ગુરુ રવિને ચરણે,
વરતી લીધી વેળા રે.