બેની મારા રૂદિયામાં લાગી રે‚
મેરમની ચોધારી મારે કાળજે કટારી…
બાયું મારા કલેજામાં મારી રે‚
બેની મારા રૂદિયામાં મારી રે‚
મારી છે કટારી ચોધારી‚
મેરમની કટારી‚ મારા કલેજે કટારી…
ભેદુ વિનાની વાતું કોણે રે જાણી
મેરમની ચોધારી‚ મારે કાળજે કટારી…
(સાખી)
મારી કટારી મૂળદાસ ક્યે
જુગતે કરી ને જોઈ‚
કળા બતાવી કાયા તણી‚
કાળજ કાપ્યાં કોઈ
(હદય કમળમાં રમી રહી‚
કાળજાં ફાટયાં સોઈ‚)
કાળજ કાપી કરૂણા કીધી‚
મુજ પર કીધી મહેર‚
જોખો મટાડયો જમ તણો‚
મારે થઈ છે આનંદ લીલા લ્હેર રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…
(સાખી)
પહેલી કટારી એ પરીક્ષા કીધી
બીજીએ સાંધ્યાં બાણ
ત્રીજી રમી ત્રણ ભુવનમાં‚
ચોથીએ વીંધાણા પ્રાણ
પ્રાણ વીંધાણા ને પ્રીતું બંધાણી‚
દેખાડયો દશમો દુવાર
કુંચીએ કરશનજીને વીનવું‚
મારી સુરતાની લેજો સંભાળ રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી
(સાખી)
આ કટારી કોઈના કળ્યામાં નાંવે‚
નઈં અણી ને નહીં ધાર‚
ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો
ઊતરી આરંપાર ;
વારી વારી કહું છું વિઠ્ઠલા
મારા અવગુણનો ધરશો મા સાર‚
બેડી મ દેશો મારી બૂડવા‚
મારી બેડલી ઉતારજો ભવપાર રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી
(સાખી)
કુળમાં દાવો મેં છોડયો શામળા
ફળની મેલી લાર‚
અટક પડે વ્હેલા આવજો‚
મારા આતમના આધાર
વારે વારે શું કહું વિઠ્ઠલા
મારા અવગુણ ના ધરશો એક‚
શામળા ! વ્હાલા ! તરત સિધાવો મારી
તરણા બરોબર ટેક રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી
(સાખી)
સાચા સદ્ગુરુ સેવિયા‚
જુગતે જાદવ વીર
મન પથ્થર હતા તે પાણી કીધાં‚
જેમ નીર ભેળાં કીધાં નીર
પાય લાગું પરમેસરા‚
તમે દેખાડયું નિજ ધામ રે
રામદાસ વચને મૂળદાસ બોલે‚
મારા ગુરુ એ બતાવ્યું તરવાનું ઠામ રે
મેરમની ચોધારી મારે કાળજે કટારી…