156 મૂળ રે વચનો મહિમા બહુ મોટો


જી રે લાખા! મૂળ રે વચનો
મહિમા બહુ મોટો જી
એને સંત વિરલા જાણે હાં!
વચન થકી જે કોઈ અધૂરા જી
તે તો પ્રેમરસને શું માણે હાં!

વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ ચલાવી જી
વચને પૃથવી ઠેરાણી હાં
ચૌદલોકમાં વચન રમે છે જી
તેને જાણે પુરુષ પુરાણી હાં

એવા રે વચનની જેને પરતીત આવે જી
એ તો કદી ચોરાશી ન જાવે હાં
વચનના કબજામાં જે કોઈ વસે જી
એની સુરતા શૂનમાં સમાવે હાં

એ કે વચન શિરને સાટે જી
એ ઓછા માણસને ન કહેવું હાં
સદ્ ગુરુ આગળ શીષ નમાવી જી
એના હુકમમાં હમ્મેશા રહેવું હાં

આદ ને અનાદમાં વચન છે મોટું જી
એને જાણે વિવેકી પોરા હા.
શેલણશીની ચેલી લોયણ બોલિયાં જી
એને નેણે વરસે નૂરા હાં.


Leave a Reply

Your email address will not be published.