મળ્યો મનુષ્ય દેહ ચિંતામણિ રે,
તારા અંગમાં છે રોગ અસાધ્ય;
નથી લેતો નારાયણ નામને રે…
માથે જન્મમરણ મોટું દુઃખ છે રે,
તારા અંતરમાં હરિને આરાધ્ય…
નથી લેતો નારાયણ
ઘણું સૂઝે છે કામ સંસારનું રે,
કરે સગાંનું નિત્ય [બહુ] સનમાન
નથી લેતો નારાયણ
હેત કરતો નથી હરિદાસમાં રે,
હૈયા ફૂટ્યા તું લૂણહરામ
નથી લેતો નારાયણ
પરનારી સંગાથે કરી પ્રીતડી રે,
તારો એળે ગયો અવતાર
નથી લેતો નારાયણ
બહુનામીની બીક નથી રાખતો રે,
ખરે ખાંતે મળીશ ખુવાર
નથી લેતો નારાયણ
અતિ કઠણ વેળા છે અંતકાળની રે,
પછી થાશે તને પસ્તાવ
નથી લેતો નારાયણ
દેવાનંદની શિખામણ માનજે રે,
તારા અંતરમાં કરીને ઉછાવ
નથી લેતો નારાયણ