161 દેવાયત પંડિત દાડા દાખવે


દેવાયત પંડિત દાડા દાખવે‚
સુણો તમે દેવળદે નાર‚
આપણા ગુરુએ આગમ ભાખિયા‚
જૂઠડા નહીં રે લગાર
લખ્યા ને ભાખ્યા‚
સોઈ દિન આવશે,
એવા દેવાયત પંડિત દાડા

પહેલા પહેલા પવન ફરુકશે‚
નદીએ નહીં હોય નીર‚
ઓતર દિશાથી સાયબો આવશે‚
મોખે હશે હનુમો વીર,
લખ્યા ને ભાખ્યા…..

પોરો આવશે રે સંતો પાપનો‚
ધરતી માગશે રે ભોગ‚
કેટલાક ખડગે સંહારશે‚
કેટલાક મરશે રોગ,
લખ્યા ને ભાખ્યા…..

કાંકરિયા તળાવે તંબુ તાણશે‚
સો સો ગાઉની સીમ‚
રૂડી ને દિસે રળિયામણી‚
ભેળા આવશે અર્જુન ને ભીમ,
લખ્યા ને ભાખ્યા…..

ધરતી માથે હેમર હાલશે‚
સૂના નગર મોઝાર‚
લખમી લૂંટાશે લોકો તણી‚
નહીં કોઈ રાવ કે ફરિયાદ,
લખ્યા ને ભાખ્યા…..

જતિ રે સતી‚ ને સાબરમતી‚
તિયાં થાશે શૂરાના સંગ્રામ‚
કાયમ કાળિંગાને મારશે‚
નકલંક ધરશે નામ,
લખ્યા ને ભાખ્યા…..

ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚
ખોટાં કાંઈ કાજીનાં કુરાન‚
અસલજાદી રે ચૂડો પહેરશે‚
એવા કાંઈ આગમનાં એંધાણ,
લખ્યા ને ભાખ્યા…..

ઓતર દિશાથી સાયબો આવશે‚
આવશે જુગ જૂનો વીર‚
કળજુગ ઉથાપી સતજુગ થાપશે‚
એવું બોલ્યા દેવાયત પંડીત,
લખ્યા ને ભાખ્યા…..


Leave a Reply

Your email address will not be published.