વિદુર પત્નિ આવ્યા પ્રભુને ઘેર જો,
જમવા દેવા ને આવ્યા નોતરાં
આવો મારા મોંઘેરા મહેમાન જો
ભાવતા ભોજનિયાં અમે બનાવશું
દેજો સતી ઘર કેરા એંધાણ જો
ઈ રે એંધાણે અમે આવીશું
ભાંગલ ટુટલ છે અમારી ઝૂંપડી જો,
તુલસી ના એંધાણે ત્રિકમ આવજો
ઘર પછવાડે કાંટા કેરી વાડ જો,
પીપળા ને એંધાણે પરષોત્તમ પધારજો
ફળીયા વચ્ચે જાંબુડાનું ઝાડ જો,
વાછરડું એંધાણે વિઠ્ઠલ આવજો
ભાંગલ ટુટલ છે અમારો ઝામ્પો જો,
રામ ના એંધાણે શ્યામ તમે આવજો
વિદુર પત્ની બેઠા છે કઈ ન્હાવા જો
પાછળથી ખખડાવી વ્હાલે ખડકી
કોણ છે મારા જંપલીયા ની બહાર જો,
કોણે રે ખખડાવી મારી ખડકી
બોલ્યા વાલો મીઠા મીઠા વેણ જો,
દોડી ને આવ્યા છે સતી બારણે
સતી ભૂલ્યા સાન ને ભાન જો
વસ્ત્ર રે વિનાની ખોલી ખડકી
વ્હાલો મારો ઉભા ઉભા શરમાય જો,
મુખની આડી તે ધરી પાંભરી.
સતી ને આવ્યા સાન ને ભાન જો
દોડીને ગયા છે સતી ઘરમાં
સતીએ સજ્યા શોળે રે શણગાર જો
હળવે થી તાણ્યો છે લાંબો ઘુંઘટો
કેળા ફોલી નાખ્યા ફળીયા વચ્ચે જો,
છાલ આપી છે ભૂધર ના હાથમાં
ચૂલા ઉપર તાંજલીયા ની ભાજી જો
દોડી ને ગયા છે પ્રભુ ઘરમાં
પ્રભુ જમ્યા તાંજળીયા ની ભાજી જો
દુર્યોધન ના પકવાન મેલ્યા પડતાં
લાગ્યા લાગ્યા પ્રભુજી ને પાય જો,
ભવ ની ભુખુ રે પ્રભુએ ભંગિયું