હું વહેલા મોડી આવું છું,
મારી વાટ જોજે કાનુડા.
મારે દર્શન ના છે નીમ રે
મારી વાટ જોજે કાનુડા…
હું જમુનાની ઝારી લાવું છું,
હું અસ્નાન કરાવવા આવું છું,
હું રેશમી રૂમાલ લાવું છું
મારી વાટ જોજે કાનુડા
મેં ચમ્પો મરવો રોપ્યો છે
હું ફૂલ વીણવા આવી છું,
હું મોગરા ની માળા લાવી છું
મારી વાટ જોજે કાનુડા
હું ગૌશાળા માં ઉભી છું,
હું ગાયો દોહવા આવી છું.
હું દૂધના કટોરા લાવી છું
મારી વાટ જોજે કાનુડા
મેં ગોળી માં ગોરસ રેડ્યા છે,
હું છાશ ફેરવવા આવી છું,
હું ઘમકે માખણ લાવું છું
મારી વાટ જોજે કાનુડા
હું રસોડા માં ઉભી છું,
હું રસોઈ બનાવું છું,
હું છપ્પન ભોગ લાવું છું
મારી વાટ જોજે કાનુડા
મારી માથે તાંબા બેડું છે,
મારે હીરની ઈંઢોણી છે,
હું લટકે ગાગર લાવું છું
મારી વાટ જોજે કાનુડા
મારે ઘેરે પાડોશણ આવી છે,
મને વાતુએ વળગાડી છે,
હું એને વળાવી આવું છું
મારી વાટ જોજે કાનુડા
મારે ઘેરે નાના બાળ છે,
હું હાલરડાં તો ગાઉ છું,
હું એને સુવડાવી આવું છું
મારી વાટ જોજે કાનુડા
આ ગોપી મન્ડળ ની વિનંતી,
અમને દેજો વ્રજમાં વાસ રે
મારી વાટ જોજે કાનુડા