ઝૂલણી લાગે ઘણી પ્યારી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી,
ગોતી લાવો ને સખી શાણી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી
માતા જશોદા પાણી ભરવા ચાલ્યા,
ઓટલે બેસાડ્યા વનમાળી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી
એક હાથે બંસરી ને બીજે હાથે ઝૂલણી
ચાલ ચાલે છે લટકાળી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી
જળ ભરવા આવું સંગ રટ લીધી કાન રે,
ધરણી લોટે છે વનમાળી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી
ટોળે મળી સહુ ગોપીયું રમાડતી,
ગઈ ગોપી ઝૂલણી તાણી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી
આવ્યા જશોદા માં એ કાન રડતા દીઠા,
લીધા હૈયે સરસા ચાંપી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી
રડો નહિ કાન મારું મનડું મુંજાય છે,
ઝૂલણીયે મઢાવું હીરા મોતી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી
માતા સમજાવે કાન નહિ રે સમજે,
લાવો મારી ઝૂલણી ગોતી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી
દોડી આવી ગોપી ઝૂલણી દેખાડતી,,
નાચ્યાં પ્રભુ દઈને તાળી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી
બાલ ક્રિષ્ન ની છબી નીરખી ને રાજી,
તન મન જાઉં વારી વારી
કાનુડાને ઝૂલણી રે વ્હાલી