દ્વારિકાથી આવ્યો વનનો મોરલો,
આવી બેઠો નંદબાવાને દ્વાર જો
શ્યામ નો સંદેશો મોરલા આપજે
જશોદા પૂછે છે મોરને વાતડી
શું કરે છે મારો લાડકવાયો લાલ રે
શું રે કરે છે મારો કાનજી
મોરલો કહે છે માતા સાંભળો,
છપ્પન પકવાન સોનાના થાળમાં
તોયે વાલો માખણીયા નો ખાય રે
માખણીયા દેખીને માતા સાંભરે
નંદબાવા પૂછે મોરને વાતડી
શું કરે મારો ગાયોનો ગોવાળ રે
શું રે કરે છે સુંદીર શ્યામળો,
મોરલો કહે છે બાબા સાંભળો
સોનાની દ્વારિકા નો રાજા થયો,
તોયે વાલાને સાંભરે ગોકુળ ગામ રે
નંદબાવા સાંભરે ને વાલો રોઈ પડ્યા
રાધાજી પુછે છે મોરને વાતડી
શું કરે છે મારા હૈયા કેરા હાર રે
શું રે કરે છે મારા કાનજી
મોરલો કહે છે રાધા સાંભળો
સાત પટરાણી પ્રભુની સેવા કરે
તો એ વાલા ને સાંભરે રાધા નાર રે
જાપ જપંતા રાધા સાંભરે…..
ગોપીઓ પૂછે છે મોરને વાતડી
શું કરે મારો રાસ બિહારી નાથ રે
શું રે કરે છે મારો કાળીયો
મોરલો કહે છે ગોપી સાંભળો
સોળસો પટરાણી પ્રભુની સાથમા
તોયે વાલા ને સાંભરે વ્રજની નાર રે
રાસ રમંતાં ગોપી સાંભરે……
જાજા રે મોરલા પાછો દ્વારિકા,
જઈ ને કહેજે દ્વારિકાધીશને વાત રે
દીધેલા કોલ પ્રભુજી ભૂલી ગયા,
દ્વારિકાધીશ પૂછે છે મોરને વાતડી,
શું કરે મારુ ગોકુળિયું ગામ રે
શું રે કરે છે મારી માવડી…
મોરલો કહે છે પ્રભુ સાંભળો,
જશોદા રૂંવે ને બાબા વિનવે,
જશોદા ને આંખે આંસુધાર રે
નદીયું ચાલી છે ગોકુલ ગામમાં..
ગોપીયું કરે પ્રભુને વિંનતી,
એક વાર વ્રજ માં દેજો વાસ રે
વ્રજ રે વાસી ને દર્શન આપજો…..
મોરલો આવ્યો રે દ્વારિકાધીશ નો.