લાડ લડાવો કાનાને લાડ લડાવો
નાની-મોટી ગોપી મળી મંગલ ગાવો રે
લાલાને લાડ લડાવો
ઉઘડ્યા છે ભાગ્ય આજ ગોકુળિયા ગામના
પૂરી કરી વાલે જશોદાની કામના
વૈષ્ણવોને આજ મળ્યો મોંઘો લ્હાવો
લાલાને લાડ લડાવો
વાંકડિયા વાળ ઓળી આંજણીયા આંજો
ગાલે એક ટપકું કરી વારી વારી જાઓ
નાનકડું મોરપીંછ માથે લગાવો
લાલાને લાડ લડાવો
પીળુ જબલુ પેરાવી કંદોરો બાંધો
જો જો ન પડે મારા લાલાને વાંધો
રિસાઈ જાય તો તાળી પાડી મનાવો
લાલાને લાડ લડાવો
નાનકડી વાસળી આપો એના હાથમાં
વાલાને વાલ કરી તેડો એને કાંખમાં
મસ્તક ચુમીને એને હેતે રમાડો
લાલાને લાડ લડાવો
ગોપ ગોપીઓ ઝૂમે આનંદમાં આજે
માધવદાસ ના સ્વામી શામળિયા
માખણને મિસરી નો ભોગ લગાવો
લાલાને લાડ લડાવો