દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર હો
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી મારી લાડકવાયી…
દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય
એક જ સ્મિત મા તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી…
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારૂ બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર
રૂપ મા તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી…
કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પાપા પગલી ચલાવતા બાપનુ હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી…
હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવુ
હાલરડા ની રેશમી રજાઈ તને હુ ઓઢાડુ
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી…