07 હતો હું સૂતો પારણે પુત્ર નાનો


હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા, તું

સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામી પંડે તજે સ્વાદ તો તે,
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા, તું

લઈ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજુ મને કોણ દેતું
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા, તું

પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી,
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા, તું

મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ
તળે તાપ પાપે મળે જેથી મુક્તિ
ચિતે રાખી ચિંતા રૂડું કોણ ચાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
મહા હેતવાળી દયાળી જ મા, તું

તથા આજ તારૂં હજી હેત એવું,
જળે માછલીનું જડ્યું હેત જેવું,
ગણિતે ગણ્યાથી નથી એ ગણાતું
મહા હેતવાળી દયાળી જ મા, તું

અરે, આ બધું શું ભલું જૈશ ભૂલી
લીધી ચાકરી આકરી જે અમૂલી
સદા દાસ થૈ વાળી આપીશ સાચું
મહા હેતવાળી દયાળી જ મા, તું

અરે દેવાના દેવ આનંદદાતા,
મને ગુણ જેવો કરી મારી માતા,
સામો વાળવા જોગ દેજે સદા તું
મહા હેતવાળી દયાળી જ મા, તું

શીખે સાંભળે એટલા છંદ આઠે,
પછી પ્રિત થી જો કરે નિત્ય પાઠે,
રીઝી દેવ રાખે, સુખી સર્વ થાવે,
રચ્યા છે રૂડા, છંદ દલપતરામે.


Leave a Reply

Your email address will not be published.