અક્ષરનાથ આવો મારે ઓરડે,
તમ સાથે રે વાધ્યો પૂરણપ્યાર
મેં તો શેરી વળાવીને સજ્જ કરી,
શેરડીએ રે વેર્યાં ફૂલ અપાર
મેં તો મોતીડે ચોક પૂરાવિયા,
પ્રેમે બાંધ્યાં રે તરિયાં તોરણ દ્વાર ꠶
મેં તો જુગતેથી તમને જમાડવા,
ભાવે ભોજન રે કીધાં વિવિધ પ્રકાર ꠶
મેં તો પલંગ બિછાવ્યો પ્રીત શું,
વેગે સજિયા રે સોળે શણગાર ꠶
હું તો ચાતક સરખી થઈ રહી,
તમ કારણે રે પ્યારા પ્રાણ આધાર ꠶
મારે તમ સંગ પૂરણ પ્રીતડી,
તેણે વિખ સમ રે થયો સર્વે સંસાર
મુક્તાનંદના શ્યામ સુજાણ છો,
હવે શું કહું રે ઘણું વારંવાર