અધમ ઉદ્ધારણ અવિનાશી તારા,
બિરુદની બલિહારી રે;
ગ્રહી બાંહ્ય છોડો નહિ ગિરિધર,
અવિચળ ટેક તમારી રે…
ભરી સભામાં ભૂધરજી તમે,
થયા છો માડી મારી રે;
બેટાને હેતે બોલાવો,
અવગુણિયા વિસારી રે…
જેવો તેવો (તોય) પુત્ર તમારો,
અણસમજુ અહંકારી રે;
પેટ પડ્યો તે અવશ્ય પાળવો,
વા’લમ જુઓને વિચારી રે…
અનળ અહિ જો ગ્રહે અજાણે,
તો છોડાવે રોવારી રે;
બાળકને જનની સમ બીજું,
નહિ જગમાં હિતકારી રે…
બ્રહ્માનંદની એ જ વિનંતી,
મન ધારીએ મુરારી રે;
પ્રીત સહિત દર્શન પરસાદી,
જોયે સાંજ સવારી રે…