રામ રાખે એમ રહેવું દુનિયામાં,
કોઇને કાંય ન કહેવું,
દુનિયામાં રામ રાખે એમ રહેવું
પ્રભુ ભજિયા એને પ્રથમ પડીયું,
અનઘડ સંકટ એવું,
મોરધ્વજ માથે કરવત માંડી,
અંગડું અડધું વેચ્યું…દુનિયામાં રામ
ક્રોધ કરી એક દી હરણાકંસ કોપ્યો,
નામ ન રામનું લેવું,
મારવો પુત્રને ત્યાં પોતે મરી ગયો,
કારણ બન્યું જુવો કેવું….દુનિયામાં રામ
એકલી હાથે કાંધે ઉપાડી,
કોણ આવે કોને કેવું,
તારાદે પાસે તેદી ત્રાંબીયું મળે નહીં,
એને દાણ મસાણનું દેવું….દુનિયામાં રામ
અજ્ઞાન કેરી હોય આંટી અંતરમાં તો,
ત્યજી દેવી એવી કુટેવું,
નાગ કહે નારાયણ પ્રતાપે,
સુખ દુઃખ બંને સહેવું….દુનિયામાં રામ