02 ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની


ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે
ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે,
અહીંયા રહ્યા એતો સુના શરીર…
ગોપીજનના

કર્મે અમારે અક્રુર ક્યાંથી આવ્યા,
જક કરી લઈ ગયા બલ ભદ્રવીર…
ગોપીજનના

રથ રે રોકીને જ્યારે રહ્યા રાધાજી,
કેટલીક દીઘી તી અમને ધારણ ધીર
ગોપીજનના

આવ્યાની આશે અમે રહ્યા વિશ્વાસે,
આવડાં મેં નહોતા જાણ્યા હૈયાના ફૂડ
ગોપીજનના

શ્યામ સ્વરૂપ વિના શા કરીયે સાધન,
અંબ મુકીને કોણ સેવે કથીર…
ગોપીજનના

કેશરી ભુખ્યો કદી ઘાસ ન ખાયે,
કેળ ના ફળે એતો બીજી રે વાર
ગોપીજનના

પ્રેમની વાતો એ તો પ્રેમીજન જાણે,
વંધ્યા શું જાણે પહેલા પ્રસવની પીડ
ગોપીજનના

વચન તમારા ઉદ્ધવ હૃદયમાં સાલે,
તાકીને માર્યા જાણે તનડામાં તીર
ગોપીજનના

એક પલક ઘડી કેમ ચાલે,
નયણાંમાં રમી રહ્યા નંદકિશોર
ગોપીજનના

ગિરિધરલાલ વિના ઘડીયે ના ગોઠે,
‘પ્રીતમ’ના સ્વામી મારા પ્રાણ આધાર
ગોપીજનના


Leave a Reply

Your email address will not be published.