01 મારી શેરીએથી કાનકુંવર


મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી વગાડતા રે લોલ
મારી શેરીએથી કાનકુંવર…

હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ
હું તો પાણીડાંની મસે જોવા નિસરી રે લોલ,
ઇંઢોણીને પોટલી વીસરી રે લોલ
મારી શેરીએથી કાનકુંવર…

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ,
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ
મેં તો ધોળોને ધમળો બે જોડીયા રે લોલ,
જઇ અને અમરાપરમાં છોડીયા રે લોલ
મારી શેરીએથી કાનકુંવર…

અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ,
મેં તો જાણ્યું કે એ હરિ અંહી વસે રે લોલ
મેં તો દુધ રે સાકરનો શીરો કર્યો રે લોલ,
ત્રાંબાના તાસમાં ટાઢો કર્યો રે લોલ
મારી શેરીએથી કાનકુંવર…

કંઠેથી કોળિયો ન ઉતર્યો રે રે લોલ,
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો ભરાવું જમણાં હાથનો રે લોલ,
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
મારી શેરીએથી કાનકુંવર…

ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ,
મેં તો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘુંઘટ ખોલિયા રે લોલ,
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ


Leave a Reply

Your email address will not be published.