કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે
મુખ હતું તારૂં એંઠુ રે
ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખુણામાં બેઠો રે
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
ઝુલણી પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે
અમે તે દી’ પહેરાવતાં રે
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે
અમને શેના કોડ રે
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે
બોલતો કાલું ઘેલું રે
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે