59 બેદલનો સંગ ના કરીએ


બેદલ મુખસે મીઠાં બોલે‚
એની વાણીમાં વરમંડ ડોલે‚
બેલીડા બેદલનો સંગ ના કરીએ…

કોયલડીને કાગ દોનું બેઠાં આંબાડાળે‚
રંગ બેઉનો એક જ છે‚
ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚
પણ બોલી એક જ નાંય
બેલીડા બેદલનો સંગ ના કરીએ…

હંસલોને બગલો બેઉ બેઠાં સરોવર પાળે‚
રંગ બેઉનો એક જ છે‚
ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚
પણ ચારો એક જ નાંય
બેલીડા બેદલનો સંગ ના કરીએ…

શ્યામ મુખની ચણોઠડી ઈ તો
હેમ સંગે તોળાય છે રે‚

તોલ બેઉનો એક છે‚ ભાઈ
તોલ બેઉનો એક જ છે‚
એનાં મૂલ એક જ નાંય
બેલીડા બેદલનો સંગ ના કરીએ…

ગુરુ પ્રતાપે ભણે રતનદાસ‚
સંત ભેદુને સમજાય જી‚
ધર્મરાજાને દ્વાર જાતાં‚
પ્રભુજીને દરબાર જાતાં‚
આડી ચોરાશીની ખાણ..
બેલીડા બેદલનો સંગ ના કરીએ…


Leave a Reply

Your email address will not be published.