સેજે સાયાંજી ! મારું મનડું ન માને મમતાળું‚
કહોને ગુરુજી ! મારું દિલડું ન માને દૂબજાળું…
વારી વારી મનને હું તો વાડલે પુરું રે વાલા
પતળેલ જાય પરબારૂં…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
ઘડી એક મનડું મારું કીડી અને કુંજર વાલા
ઘડીક ઘોડે ને ઘડીક પાળું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
તીરથ જઈને ક્યો તો તપસાં રે માડું વાલા
જઈને પંચ ધૂણી પરઝાળું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
કહો તો ગુરુજી રૂડા મંદિરૂં ચણાવું વાલા
કહો તો સમાંતું રે ગળાવું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
કહો તો ગુરુજી રૂડી રસોયું બનાવું વાલા
રૂઠડા એ રામને જમાડું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
કામ ને કાજ મુંને કાંઈ ન સૂઝે વાલા
ખલક લાગે છે બધું યે ખારૂં…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
દાસી જીવણ સત ભીમ કેરે શરણે વા’લા
તમે સરજ્યું હશે તો થાશે સારૂં…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…