એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚
પટોળી આ પ્રેમની…
હાં હાં રે પટોળી પ્રેમની…
સત જુગમાં વણ વાવિયાં‚
ઊગ્યા ત્રેતા માં ય‚
દ્વાપરમાં એને ફળ લાગ્યાં‚
જી રે એમાં કળિયુગમાં ઊતર્યો કપાસ
પટોળી આ પ્રેમની…
હાં હાં રે પટોળી પ્રેમની…
સતના ચરખે લોઢાવિયાં‚
પ્રેમની પિંજણે પિંજાય‚
સરખી સાહેલી કાંતવાને બેઠી
એ જી રે એનો તાર ગયો આસમાન
પટોળી આ પ્રેમની…
હાં હાં રે પટોળી પ્રેમની…
બ્રહ્માજીએ તાર એના તાણિયા‚
શંકર જેવા વણનાર
તેત્રીસ કોટિ દેવ વણવા લાગ્યા‚
એ જી રે એમાં થઈ છે ઠાઠમ ઠાઠ
પટોળી આ પ્રેમની…
હાં હાં રે પટોળી પ્રેમની…
આ પટોળી ઓઢીને ધ્રુવ પરમપદ પામ્યા‚
વળી ઓઢી છે મીરાંબાઈ‚
જૂનાગઢમાં નાગર નરસૈયે ઓઢી‚
એ જી રે પછી આવી દયાને હાથ…
પટોળી આ પ્રેમની…
હાં હાં રે પટોળી પ્રેમની…