જેસલ ! કરી લે ને વિચાર‚
માથે જમ કેરો માર‚
સપના જેવો આ સંસાર‚
તોળી રાણી કરે છે પોકાર‚
આવો ને જેસલ રાય‚
આપણ પ્રેમ થકી મળીએ રે‚
પૂરા સાધ હોય ત્યાં જઇને ભળીએ રે…
અનુભવી આવ્યો છે અવતાર‚
માથે સતગુરુ ધાર‚
જાવું છે ધણીને દુવાર‚
બેડલી ઉતારે ભવ પાર…
ચાંદો સૂરજ વસે છે આકાશ‚
નવ લાખ તારા એની પાસ‚
પવન પાણી ને પરકાશ‚
સૌ લોક કરે એની આશ…
આવો ને જેસલ રાય‚
આપણ પ્રેમ થકી મળીએ રે…
ગુરુના ગુણનો નહી પાર‚
ભગતિ ખાંડા કેરી ધાર‚
નુગરા શું જાણે સંસાર‚
એનો એળે ગયો અવતાર…
ગુરુની ગતિ ગુરુની પાસ‚
જેવી કસ્તુરીમાં બાસ‚
નિજિયા નામ તણો પરકાશ‚
દીનાનાથ પૂરે આપણી આસ…
આવો ને જેસલ રાય‚
આપણ પ્રેમ થકી મળીએ રે…
છીપું સમંદરમાં થાય‚
વાકી ધન રે કમાઈ‚
સ્વાતિના મેહુલા વરસાય‚
ત્યાં તો સાચા મોતીડાં થાય…
હીરલા એરણમાં ઓરાય‚
માથે ઘણના ઘા થાય‚
ફુટે ઈ ફટકીયાં કેવાય‚
સાચાંની ખળે ખબરૂં થાય…
આવો ને જેસલ રાય‚
આપણ પ્રેમ થકી મળીએ રે…
નવ લખ કોથળીયું બંધાય‚
ઈ તો ગાંધીડો કેવાય‚
હીરા-માણેક હાટડીયે વેચાય‚
મુલ એના મોંઘેરાં થાય…
નિત ઉઠી નદીએ નાવા જાય‚
કોયલા ઉજળા નવ થાય‚
ગણીકાના બેટાનો બાપ કોણ થાય‚
માવઠાના મે’થી કણ નવ થાય…
આવો ને જેસલ રાય‚
આપણ પ્રેમ થકી મળીએ રે…
દેખાદેખી કરવાને જાય‚
હાથમાં દીવડીયો રે દરશાય‚
કુડીયાં કૂવે પડવાને જાય‚
મુરખડાં મુડીઓ રે ગુમાય…
ભેદુ વિનાં ભેળા ઈ તો થાય‚
એ તો અધૂરિયાં કે’વાય‚
એનાં નૂર કાંઈ ન દરશાય‚
એના કલ્યાણ કેમ કરી થાય…
આવો ને જેસલ રાય‚
આપણ પ્રેમ થકી મળીએ રે…
એના ધરમે થયા દશ અવતાર‚
પાંચા સાતા નવાં ને બાર‚
કરોડ તેંતરીશા રે તાર‚
ઋષિ એંશી તો રે હજાર…
સતજુગે રત્નાવર ને પેરાધ‚
દ્વાપરે દ્રૌપદી ધરમરાય‚
ત્રેતા તારા ને હરિચંદ્ર રાય‚
કલિજુગ વિંજા ને બળિરાય…
આવો ને જેસલ રાય‚
આપણ પ્રેમ થકી મળીએ રે…
પ્રેમનો પાટ ને પ્રેમના રે ઠાઠ‚
પ્રેમની જ્યોતિનો રે પરકાશ‚
તોળી રાણી તેજનો અંબાર‚
સાયબો પુરે આપણી આશ…
મનનાં માંડવડા બંધાઈ‚
તનડાં પર પડદા રે બંધાય‚
જીત સતી ત્યાં ભેળાં થાય‚
તેનાં નૂર તો વરસાય…
આવો ને જેસલ રાય‚
આપણ પ્રેમ થકી મળીએ રે…
હેતે હરિ ગુણ એ ગાય‚
પ્રેમે ગુરુની પૂજા રે થાય‚
કોળી પાવલીએ વરતાય‚
ચાર જુગની વાતું તોળીરાણી ગાય…
આવો ને જેસલ રાય‚
આપણ પ્રેમ થકી મળીએ રે…