69 લવિંગ કેરી લાકડિએ રામે


લવિંગ કેરી લાકડિએ
રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ
વેર વાળ્યાં જો !

રામ તમારે બોલડિયે
હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા,
હું વાતુડિયો થઇશ જો !

રામ તમારે બોલડિયે
હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા
હું ઘંટુલો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે
હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા
હું સાંબેલું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે
હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી
હું જળમોજું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે
હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી
હું મેહુલિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે
હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી
હું ભભૂતિયો થઇશ જો !


Leave a Reply

Your email address will not be published.