રામની વાડીમાં રામ આવીને ઊતર્યા રે,
રામને શાનાં બેસણ દેશું, હે રામ
કાયા વાડી રે રામે દાડમી.
રામની વાડીમાં જમરાનાં ઝાડ રે,
રામે વેડ્યાં છે દાડમ દરાખ, હો રામ
કાયા વાડી રે રામે દાડમી.
ભાઇનો પાદર લગી રે સગો છોકરો રે
ભાઇનું સ્મશાન લગી સગું કુટુંબ, હો રામ
કાયા વાડી રે રામે દાડમી.
ભાઇની સોનલા કેરી ચિહા સીંચાઇ,
ભાઇની રૂપલા કેરી કાયા બળે, હો રામ
કાયા વાડી રે રામે દાડમી.
ભાઇનો સોનલા કેરો ધુમાડો રે,
ધુમાડો તો જાય રે આકાશ, હો રામ
કાયા વાડી રે રામે દાડમી.