85 પાપ તારું પરકાશ જાડેજા


પાપ તારું પરકાશ જાડેજા,
ધરમ તારો સંભાર રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
એમ તોરલ કહે છે જી

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી
વાળી ગોંદરેથી ગાય રે
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે
એમ તોરલ કહે છે જી

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી
પાદર લૂંટી પાણિયાર રે
વનના મોરલા મારિયા, તોરલ દે રે
એમ તોરલ કહે છે જી

ફોડી સરોવર પાળ, તોળી રાણી
ફોડી સરોવર પાળ રે
વન કેરા મૃગલા મારિયા તોરલદે રે
એમ તોરલ કહે છે જી

લૂંટી કુંવારી જાન, તોળી રાણી
લૂંટી કુંવારી જાન રે
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે
એમ તોરલ કહે છે જી

હરણ હર્યાં લખચાર, તોળી રાણી
હરણ હર્યાં લખચાર રે
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે
એમ તોરલ કહે છે જી

જેટલા મથેજા વાળ, તોળી રાણી
જેટલા મથેજા વાળ રે
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે
એમ તોરલ કહે છે જી

પુણ્યે પાપ ઠેલાય, જાડેજા
પુણ્યે પાપ ઠેલાય રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
એમ તોરલ કહે છે જી


Leave a Reply

Your email address will not be published.